ગાંધીનગરઃ ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા દિનેશ અનાવાડીયા અને રામભાઈ મોકરીયાએ રાજયસભાના સાંસદ તરીકે સોમવારે શપથ લીધા હતા. આ પૈકી દિનેશ અનાવડિયાએ રાજ્યસભા સાંસદ તરીકે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. ગુજરાતમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના બીજા સાંસદ રામભાઇ મોકરીયાએ રાજયસભાના સાંસદ તરીકે હિંદી ભાષામાં શપથ લીધા હતા.


ગુજરાતમાં રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો પર ભાજપનાં બંને ઉમેદવારો રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ અનાવડિયા ઉર્ફે દિનેશ પ્રજાપતિ બિનહરીફ ચૂંટાયા હતા.

રાજ્યસભા માટે ભાજપના બે ઉમેદવારો પૈકી રામભાઈ મોકરીયાની પસંદગી અભય ભારદ્વાજના નિધના કારણે ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર જ્યારે દિનેશ પ્રજાપતિની પસંદગી કોંગ્રેસના સાંસદ અહમદ પટેલના નિધનના કારણે ખાલી પડેલી બેઠક માટે થઈ હતી.

અહમદ પટેલ રાજ્યસભામાં 2017ના ઓગસ્ટ મહિનામાં ચૂંટાયા હતા તેથી તેમની છ વર્ષની મુદત 2023ના ઓગસ્ટ મહિનામાં પૂરી થતી હતી. તેમના સ્થાને ચૂંટાયેલા દિનેશ અનાવડિયાની મુદત પણ 2023ના ઓગસ્ટ મહિનામાં પૂરી થશે તેથી દિનેશ અનાવડિયા પણ 2023ના ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત થશે. આમ પહેલ વાર રાજ્યસભામાં જતા દિનેશભાઈ પ્રજાપતિ લગભગ અઢી વર્ષ માટે રાજ્યસભાના સભ્ય રહેશે.

ભાજપના રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજ 2020ના જુલાઈમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમની મુદત 2026ના જુલાઈમાં પૂરી થતી હતી. તેમના સ્થાને આવેલા રામભાઈ મોકરીયાની મુદત પણ 2026ના જુલાઈમાં પૂરી થશે તેથી રામભાઈ મોકરીયા લગભગ સાડા પાંચ વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહેશે.