ગાંધીનગરઃ એસટીના કર્મચારીઓની હડતાળ મોકૂફ રહી હતી. એસટીના કર્મચારીઓ આજ રાતથી હડતાળ પર ઉતરવાના હતા પરંતુ વાહન વ્યવહાર મંત્રી સાથે થયેલી બેઠકનો સુખદ અંત આવ્યો હતો અને એસટીના સંગઠનોએ હડતાળ પરત લેવાની જાહેરાત કરી હતી. પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગરમાં વાહન વ્યવહારમંત્રી સાથે ST સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા બાદ સંગઠનો સરકારની વાતચીતથી સંતુષ્ટ થયા હતા. બાદમાં હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી.
ત્રણેય સંગઠનની સમિતિની લાંબી ચર્ચા થઈ છે. 5 ટકા ડીએ આપવાનું અને બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે સિવાય ડિસેમ્બર જાન્યુઆરી સુધીમા કોરોના વોરિયર્સને આર્થિક લાભ અપાશે. ઉપરાંત વારસદારોને પણ અન્ય ચૂકવણી કરવામાં આવશે. ડ્રાઇવરોને 1900 અને કંડક્ટરોને 1800 ગ્રેડ પે અપાશે. 7માં પગાર પંચનો બાકી હપ્તો નવેમ્બરમાં ચૂકવવામાં આવશે. એસટી કર્મચારીઓની 18 માંથી 10 માંગણીઓ સંતોષવામાં આવી છે.
ઉપરાંત VCE કર્મચારીઓએ આવતી કાલથી શરૂ થનારી હડતાલ મોકૂફ રાખી હતી. પડતર પ્રશ્નો અંગે VCE આગેવાનો અને પંચાયત મંત્રી વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવશે જેને લઇને હાલ પુરતી હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. VCEની માંગ છે કે 15 વર્ષથી કામગીરી કરતા કર્મચારીને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે અને સરકારી ધારાધોરણ લાગુ થાય. મોટાભાગના વિભાગનું કામ કરતાં VCEને વર્ગ-3નો દરજ્જો મળે અને અન્ય સરકારી કર્મચારીઓની જેમ VCEને પણ ભથ્થા મળે તેવી માંગ હતી.