ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે અને કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર આ કેસોને નાથવા એક પછી એક પગલાં ભરવા માંડી છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ત્રણ ડોક્ટરોને માત્ર એક દિવસ માટે મોકલવા અનુરોધ કર્યો છે.


રૂપાણીએ અમિત શાહને પત્ર લખીને એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા અમિત શાહને વિનંતી કરી છે.

રૂપાણીએ કહ્યું છે કે, આ પ્રખ્યાત ડોક્ટરો અમદાવાદમાં કોવિડ 19ની સારવાર લઇ રહેલા દર્દીઓ, સેવા આપી રહેલા ડોક્ટરો અને મેડીકલ ટીમ સાથે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપે એ માટે તેમને અમદાવાજ મોકલવા વિનંતી છે. આ માર્ગદર્શન – સંવાદને પરિણામે સિવીલ અમદાવાદના તબીબો-મેડીકલ ટીમનું મનોબળ વધુ મજબૂત થતાં કોરોના સામેના જંગમાં વધુ સજ્જતાથી લડી શકાશે તેથી તેમને તાત્કાલિક અમદાવાદ મોકલવા માટે રૂપાણીએ વિનંતી કરી છે.