ગાંધીનગરઃ છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરા, રાજકોટમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. જોકે, હવામાન વિભાગના કહેવા પ્રમાણે, આગામી દિવસોમાં પણ ગુજરાતના લોકોને વરસાદમાં રાહત મળી શકે તેમ નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.  પૂર્વ મધ્ય પ્રદેશમા લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે.


હવામાન વિભાગના મતે આગામી હજી એક સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આજે પણ રાજકોટ, અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીમાં બે કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જૂનાગઢ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે પોરબંદરની મધુવંતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

બીજી બાજુ રાજ્યમાં એવા અનેક તાલુકાઓ છે ત્યાં વરસાદ પડ્યો નથી. તેમ છતાં ગુજરાત પર ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આખા રાજ્યમાં વરસાદી માહોલ બનશે તેવી આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમા સારો વરસાદ થતા ખેડૂતોમા ખુશી જોવા મળી રહી છે