આ રસ્તાઓ અંગે વિગતવાર વાત કરીએ તો 6 સ્ટેટ હાઈવે, કચ્છના 2 રોડ, આણંદ, ભરૂચ, સુરત અને જૂનાગઢના 1-1 રસ્તા બંધ છે. આ ઉપરાંત પંચાયત હસ્તકના 93 રસ્તા બંધ જેમાં સૌથી વધુ જૂનાગઢ અને વડોદરાના 9-9 રસ્તાઓ બંધ છે.
હવામાન વિભાગ આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે આજે સવારે ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાથી ગુજરાતના 83 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આજે સવારે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના સતલાસણા, દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ભિલોડાની હાથમતિ નદી બે કાંઠે ગાંડીતૂર બની હતી.
સવારે 6 વાગેથી 8 વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ વહેલી સવારે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં સતલાસણામાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.