ગાંધીનગર; ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 187 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો જ્યારે ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. ત્યારે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં ખાબક્યો છે, વલસાડના ઉમરગામમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આઠ તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ અને 18 તાલુકાઓમાં બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.


છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા

વલસાડના ઉમરગામમાં 6 ઈંચ વરસાદ
વલસાડના તાપીમાં 4 ઈંચથી વધુ વરસાદ
આણંદમાં 4 ઈંચ વરસાદ
મહેસાણામાં 4 ઈંચ વરસાદ
કચ્છના લખપતમાં 4 ઈંચ જેટલો વરસાદ
નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ
મહેસાણાના કડીમાં 3 ઈંચથી વધુ વરસાદ
જામનગરના લાલપુરમાં 3 ઈંચથી વધુ વરસાદ
વસસાડના પારડીમાં 3 ઈંચ વરસાદ
રાજકોટના ઉપલેટામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો


મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ વહેલી સવારે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં સતલાસણામાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, શનિવાર અને રવિવાર માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી 3-4 દિવસ માટે નદીમાં ભારે પૂરની શક્યતા સેવાઇ રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.