Car Accident: રાજ્યમાં અકસ્માતના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, આજે ગાંધીનગરમાં એક કાર ચાલકે બેફામ કાર હંકારીને આતંક મચાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. રાજ્યના પાટનગરમાં રાંદેસણના સીટી પલ્સ સિનેમા રૉડ પાસે આજે સવારે એક સફારી કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી અને બે એક્ટિવા સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, આ ટક્કરમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ગાંધીનગરના રાંદેસણના સીટી પલ્સ સિનેમા રોડ અકસ્માતની આ ઘટના ઘટી હતી, માહિતી પ્રમાણે, આ રૉડ પર સવારે ટાટા સફારીના કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી હતી, કાર ચાલકે દારૂના નશામાં કાર હંકારી અને રૉડ પર એક પછી એક બે એક્ટિવા સહિતના વાહનોને ટક્કર મારી હતી, આ ટક્કરમાં ચાર લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જે ટાટા સફારીના અકસ્માતમાં ચાર લોકોના જીવ ગયા તેનું રજિસ્ટ્રેશન હિતેશ પટેલના નામે હોવાનું ખુલ્યુ છે. ટાટા સફારીનો નંબર GJ-18-EE 7887 છે. કાર ચાલકે દારૂનો નશો કર્યો હોવાનું પણ સામે આવ્યુ છે. ટક્કર બાદ લોકોના ટોળાએ કાર ચાલકની જબરદસ્ત ધૂલાઇ કરી હતી.
અકસ્માત સર્જાતા રાહદારીઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ગાડી ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માતમાં બે લોકોના મોત થતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરીને તપાસ શરૂ કરી છે. નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસ આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.
આ બાબતે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, આજે જે ઘટના બની છે તે ખૂબ દુઃખદ છે. તેમજ આવા કાર ચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. મનપા દ્વારા આવા અકસ્માત ન સર્જાય તે માટે પગલા ભરવામાં આવશે.