અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં 10 ઓગસ્ટથી લો પ્રેશર સક્રિય થયું છે. આ સાથે જ રાજસ્થાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્ય ઉપર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આજે પણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

આજે સુરત, નવસારી, વલસાડ,દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે.

13મી ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ અને નવસારી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો 14મી ઓગસ્ટે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

બુધવારે બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ અને જૂનાગઢ કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.

ગુરુવારે પણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત શુક્રવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ તો સુરત ડાંગ અને નવસારીમાં ભારેથી અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.