તેમણે કહ્યું કે, આગામી 20 એપ્રિલથી વાણિજ્યિક એકમોને કેટલીક છૂટછાટો સાથે મંજૂરી આપવામાં આવશે. આ માટે જિલ્લા કક્ષાએ વાણિજ્યિક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે કલેકટરના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવશે. આ સમિતિમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાથે તેમણે કહ્યુ કે, જે ઉદ્યોગ એકમો શરૂ કરવા માંગે છે તે માલિકોએ પોતાના કર્મચારીઓને વિશેષ સુવિધાઓ આપવાની રહેશે. હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઇ પણ કર્મચારી, અધિકારી, શ્રમિક કામ પર ન આવે તેની કાળજી સમિતિએ લેવાની રહેશે. સાથે એકમોમાં થર્મલ ગન, ફરજિયાત માસ્કનો ઉપયોગ, સેનિટાઇઝેશન રાખવાનું રહેશે. તે સિવાય એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેને પણ ધ્યાન રાખવાનું રહેશે. તે સિવાય શ્રમિકોને રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે જો તે શક્ય ન હોય તો કર્મચારીઓ માટે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. અને જો આ નિયમોનો ભંગ થશે તો એકમોને આપવામાં આવેલી મંજૂરી પરત ખેંચી લેવામાં આવશે.