ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના વધી રહેલા કેસો વચ્ચે આણંદ જિલ્લાનું ખંભાત કોરોનાવાયરસના નવા હોટ સ્પોટ તરીકે ઉભર્યું છે. છેલ્લા 24 કલાકમાં આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ પોઝીટીવ આવ્યા છે અને તેમાંથી 5 કેસ ખંભાતના છે. બાકીનો એક કેસ ઉમરેઠનો છે.
ખંભાતના રાણા પરિવારના 5 કેસ પોઝીટીવ આવતાં ખંભાતમાં જ કોરોનાવાયરસના ચેપની સંખ્યા વધીને 18 થઈ છે. આણઅંદ જિલ્લાના કુલ 23 કેસમાંથી માત્ર ખંભાતના જ 18 કેસ છે. ખંભાતના તમામ 18 કેસ અલિંગ નામના એક જ વિસ્તારના છે.
ખંભાતમાં કોરોનાવાયરસના મોટા ભાગના કેસો કેતનભાઈ રાણા નામની વ્યક્તિના સંપર્કમાં આવવાથી વધ્યા છે. કેતનભાઈ સુરતથી આવ્યા હતા. તેમને કોરોનાવાયરસનો ચેપ લાગેલો હતો. તેના કારણે તેમના પરિવારના સાત લોકોને ચેપ લાગ્યો. એ પછી પાસે રહેતી વધુ એક વ્યક્તિને ચેપ લાગ્યો અને હવે વધુ પાંચ વ્યક્તિને ચેપ લાગતાં કેતનભાઈના કારણે 14 લોકો કોરોનાવાયરસનો ભોગ બન્યા છે.
ખંભાતમાં જે નવા પાંચ કેસ નોંધાયા છે તેમાં હંસાબેન અશોકભાઈ રાણા ( 60 વર્ષ), દર્શનભાઈ ચેતનભાઈ રાણા (22 વર્ષ), રાકેશભાઈ ચંદ્રેશભાઈ રાણા ( 44 વર્ષ), મીનાક્ષીબેન દેવેન્દ્રભાઈ રાણા (24 વર્ષ) અને આશાબેન હિતેશકુમાર રાણા ( 35 વર્ષ)નો સમાવેશ થાય છે. આ તમામ લોકો અલિંગના દાંતરાવાડોમા રહે છે અને ખંભાત જનરલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ભરતી છે.