ગાંધીનગર: સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ છે. કમાભાઈને આજે ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. કમાભાઈ રાઠોડ તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. 


 



2017 પહેલાં કમાભાઈ રાઠોડ ભાજપના જ ધારાસભ્ય હતા


તમને જણાવી દઈએ કે, 2017 પહેલાં કમાભાઈ રાઠોડ ભાજપના જ ધારાસભ્ય હતાં. પરંતુ 2017ની ચૂંટણીમાં ટિકીટ કપાતાં ભાજપની સામે બળવો કરીને કમાભાઈ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યાં હતાં.તો બીજી તરફ  અહેમદ પટેલની રાજ્યસભા ચૂંટણી વખતે સાણંદમાં ધારાસભ્ય કરમસિંહ પટેલે ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. બાદમાં કરમસિંહ પટેલ અને તેમના પુત્ર કનુ પટેલ ભાજપમાં જોડાયા. કોંગ્રેસમાંથી આવેલા કરમસિંહ પટેલના પુત્ર કનું પટેલને 2017માં સાણંદ બેઠક પર ટિકીટ અપાય. ત્યારે નારાજ થયેલા કમાભાઈ રાઠોડે સાણંદ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જે બદલ ભાજપે કમાભાઈ રાઠોડને વર્ષ 2017માં પાર્ટીમાં અશિસ્ત બદલ 6 વર્ષ માટે સંસ્પેન્ડ કરી દીધા હતા. 2017 ચૂંટણીમાં સાણંદ બેઠક પર તેઓ અપક્ષ તરીકે લડ્યા હોવા છતાંય 49 હજાર મતો મળ્યા હતા. કમાભાઈ સાણંદ બેઠકનો ક્ષત્રિય ચહેરો અને નાડોદા સમાજના આગેવાન છે.


2 દિવસોમાં અમારા નેતાઓ નિર્ણય નહિ કરે તો હું મારો નિર્ણય જાહેર કરીશ: કામિનીબા


દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પોતાના જ પક્ષના કેટલાક નિર્ણયોથી નારાજ છે. મંગળવારે ગાંધીનગર ખાતે તેમની નારાજગી ખાળવા એક બેઠક મળી હતી. આ બેઠક બાદ આજે પણ કોઈ પરિણામ આવ્યું નથી. abp અસ્મિતા સાથેની વાતમાં કામિનીબા રાઠોડે જણાવ્યું કે, મારી લડાઈ આત્મસન્માનની છે. ભાજપે મને રૂ. 25 કરોડની ઓફર કરી હતી ત્યારે પણ હું કોંગ્રેસને વફાદાર રહી હતી. આજે મારા મત વિસ્તારના નિર્ણયોમાં મને પૂછવામાં નથી આવતું અને પક્ષ વિરોધી કામ કરનારાઓને હોદ્દા આપવામાં આવે છે. ગઈકાલની બેઠક બાદ કોઈએ મારી સાથે ચર્ચા કરી નથી. હું બે દિવસ રાહ જોઇશ નહિ તો હું મારો નિર્ણય જાહેર કરીશ.