ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ 9 અને 10ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત 5 વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.

આજે પહેલા દિવસે કોંગ્રેસે મંત્રી બચુ ખાબડને લઇને તો પહેલીવાર ગૃહમાં પહોંચેલા AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગુજરાતના બિસ્માર રસ્તાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેબિનેટ મંત્રી બચુ ખાબડની ગેરહાજરીને કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ગેરહાજર મંત્રી ખાબડનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્યોએ ખાબડના મુદ્દે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરી હતી. વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રથમ દિવસે મુખ્યત્વે મુખ્યમંત્રીના હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ, પંચાયત, તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગોના પ્રશ્નો લઈ ચર્ચા થવાની છે. પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અન્ય લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવાશે. સાથે જ પૂર્વ મંત્રી હેમાબેન આચાર્ય અને ઈશ્વરસિંહ ચાવડા માટે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

આ મહત્ત્વના વિધેયક રજૂ કરવામાં આવશે

ત્રણ દિવસીય ચોમાસું સત્રમાં કુલ પાંચ મહત્ત્વપૂર્ણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું 'કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક, ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન 'ઓપરેશન સિંદૂરની સફળતા ઉપરાંત જીએસટી દર ઘટતા અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. નવમી અને 10મી સપ્ટેમ્બરે પ્રશ્નોતરી ઉપરાંત વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે.