જૂનાગઢ મહાપાલિકાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની આજે જાહેરાત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંગળવારના દિવસ દરમિયાન પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં જૂનાગઢ મહાપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેયરમેન સહિતના હોદ્દેદારોના નામ પર નિરીક્ષકોએ તૈયાર કરેલી યાદી પર મંથન કરાયું હતું.
મંથન બાદ નામ પર મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. આ ઉપરાંત 65 પાલિકાના પ્રમુખોના નામ અંગે પણ વિસ્તૃત ચર્ચા- વિચારણા બાદ નામ પર મ્હોર મારવામાં આવી છે. આજે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની પસંદગી કરવામાં આવી છે તેના કવરો તૈયાર કરવામાં આવ્યા છે. આ કવર સાથે આજે પ્રદેશના નિરીક્ષકો જે-તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હાજરી આપશે. જ્યાં નવા ચૂંટાયેલા પ્રતિનીધીઓની હાજરીમાં કવર ખોલી પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરાશે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના હાજર રહ્યા હતાં.
તે સિવાય ત્રણ તાલુકા પંચાયતોના પ્રમુખોના નામની પણ જાહેરાત કરાશે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં મેયર, પ્રમુખના નામો નક્કી કરવામાં આવ્યા છે. મેયર, પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામને લઇને મંજૂરી આપવામાં આવી હતી. નિરીક્ષકો આજે જે-તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જઈ નામની જાહેરાત કરશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે મેન્ડેટ આપવાની શરૂઆત કરી હતી. ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મહોબતજી ઠાકોર અને ઉપ પ્રમુખ તરીકે દક્ષાબેન પટેલનું નામ તો તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પૂજાબેન પટેલનું નામ લગભગ નક્કી છે. આજે સત્તાવાર રીતે નામોની જાહેરાત કરવામાં આવશે.
નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. રાજ્યની 68 નગરપાલિકાઓમાંથી 62 પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક નગરપાલિકા જીતવામાં સફળ રહી છે. 68 નગરપાલિકાઓ પૈકી 62 પર ભાજપે સત્તા મેળવી, જ્યારે 66 પૈકીની 60 નગરપાલિકાઓ પર સ્પષ્ટ બહુમત પ્રાપ્ત કર્યો હતો.
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ