ગાંધીનગરઃ આગામી 17મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારના ગરબાના આયોજન કરવા પ્રતિબંધ મુક્યો છે. જોકે, પૂજા-આરતી કરવા માટેની છૂટ આપવામાં આવી છે. નવરાત્રિની ગાઇડલાઇન્સમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

જોકે, સરકારે આ મુદ્દે પ્રસાદ વિતરણમાં થોડી છૂટ આપવાના નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મંદિરોમાં બોક્સમાં પેકિંગ કરેલા પ્રસાદને વહેંચી શકાશે. સરકારે નવરાત્રિમાં કોરોનાનુ સંક્રમણ વધે નહિ તે ધ્યાને રાખી પ્રસાદ બંધ પેકિંગમાં વહેંચવાની મંજૂરી આપી છે.



તેમણે જણાવ્યું કે, રાજ્યના તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવશે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. નવરાત્રિમાં ધર્મસ્થાનોમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે કે પર્વતની ટોચ પર હોવાના કારણે લોકો દર્શન કરવા જાય તો સંક્રમણની શક્યતા રહે છે.