ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી નવરાત્રિમાં ગરબા રમવાની મંજૂરી મળશે કે નહીં, તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, એબીપી અસ્મિતા પાસે આ અંગે એક્સક્લુઝિવ જાણકારી સામે આવી છે. ઉચ્ચ કક્ષાના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, શેરી ગરબાને રજા આપવાનું મન રાજ્ય સરકારે બનાવી લીધી છે. 200 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાને મંજૂરી મળી શકે છે.


સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, નવરાત્રિમાં મોટા આયોજનોને મંજૂરી નહીં મળે. એટલે કે આ વર્ષે પાર્ટી પ્લોટોમાં ગરબા યોજી શકાશે નહીં. સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે સરકાર એક અઠવાડિયામાં આ અંગેની માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. અત્યાર સુધી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવતી હતી. જોકે, કોરોના સમયમાં સમય મર્યાદામાં ઘટાડો કરવાને લઈને વિચારણા ચાલી રહી છે.

તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, નવરાત્રિ દરમિયાન શેરી ગરબાને મંજૂરી આપવા માટે રૂપાણી સરકાર વિચારણા કરી રહી છે. ગરબાના રસિકો માટે નીતિન પટેલનું નિવેદન રાહત આપનારું છે. પાર્ટી પ્લોટમાં તો નહીં, પણ સોસાયટીઓમાં કે ઘર આંગણે ગરબા રમી શકાશે.

પાટણમાં કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલા નીતિન પટેલે નવરાત્રિ અંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપવાની વિચારણા શરૂ કરી છે અને 200 લોકો ભાગ લઈ શકે તે શરત સાથે ગરબાની મંજૂરી આપવામાં આવે તે અંગે હાલ સરકાર વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકારની અનલોક 5ની ગાઈડલાઈન મુજબ નવરાત્રિમાં શેરી ગરબામાં છૂટછાટ મળી શકે છે તેવા સંકેત નીતિન પટેલે આપ્યા હતા. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે, પાર્ટી પ્લોટમાં થતાં ગરબાના મોટા કાર્યક્રમો અંગે સરકારે હજુ નિર્ણય લીધો નથી પણ તેને મંજૂરી મળવાની શક્યતા નથી.

ગુજરાતમાં નવરાત્રિના આયોજનને મંજૂરી આપવા આયોજકોના દબાણ વચ્ચે ગુજરાતના ડોક્ટરોએ સરકારને નવરાત્રિની પરમિશન ન આપવા માટે વિનંતી કરી છે. આ માહોલમાં નીતિન પટેલે શેરી ગરબાને મંજૂરી આપવાના સંકેત આપતાં ગુજરાતીઓને રાહત થશે. કોરોના પરિસ્થિતિમાં બહુમતી લોકો નવરાત્રિનું આયોજન ન કરવું જોઈએ તેવો મત દર્શાવી રહ્યા છે., નવરાત્રિને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે.