Gandhinagar : રાજ્યમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહેલો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 2જી જૂને કોરોના વાયરસના નવા 50 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા નવા કેસમાંથી અડધા જેટલા એટલે કે 27 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. ગઈકાલે 1 જૂને રાજ્યના 45 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 34 કેસ અમદાવાદના હતા. 


રાજ્યમાં આજે વડોદરા શહેરમાં 7, ગાંધીનગર, જામનગર શહેર , સાબરકાંઠા ,સુરત શહેર અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. તો ભાવનગર શહેર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર, નવસારી અને રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો 1-1 કેસ નોંધાયો છે.  રાજ્યમાં આજે કુલ 25 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 254 છે. 


દેશમાં કોરોનાના 3,712 નવા કેસ, પાંચ લોકોના મોત
દેશમાં આજે 2જી જૂને  એક દિવસમાં કોવિડ-19ના 3,712 નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,64,544 થઈ ગઈ છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 19,509 થઈ ગઈ છે.
આજે 2જી જૂને ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર  કરાયેલ અપડેટ ડેટા અનુસાર, કોરોના સંક્રમણના  કારણે વધુ પાંચ મૃત્યુ પછી ભારતમાં મૃત્યુઆંક વધીને 5,24,641 થઈ ગયો છે. 


દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 19,509 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.05 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં એટલે કે એક્ટિવ કેસમાં  1,123નો વધારો નોંધાયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.74 ટકા છે.


સોનિયા ગાંધી થયા કોરોનાગ્રસ્ત
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી પણ તેમના સંપર્કમાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ લખનૌથી દિલ્હી પરત આવી ગયા છે. હાલમાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સોનિયા ગાંધીની પાર્ટીના ઘણા નેતાઓ મળ્યા છે. તેમાંથી કેટલાક નેતાઓ પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. સોનિયા ગાંધીમાં હળવા તાવના લક્ષણો જોવા મળ્યા, ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ પછી સોનિયા ગાંધીનો  ટેસ્ટ પોઝિટિવ આવ્યો. પોઝિટિવ મળ્યા પછી, સોનિયાએ પોતાને અલગ કરી લીધા છે અને દરેકને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે.