ગાંધીનગરઃ ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રમુખ સી.આર. પાટિલે બુધવારે સવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ઘરે જઈને તેમના આશિર્વાદ લીધા હતા. બુધવારે સવારે ભાજપની કોર કમિટીની બેઠક પહેલાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પાટીદાર સમાજના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર. પાટિલ સૌથી પહેલાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં આશિર્વાદ લેવા પહોંચ્યા હતા અને આજે સવારે કેશુભાઈ પટેલનાં નિવાસ સ્થાને તેમને મળ્યા હતા. કેશુભાઈએ સી.આર. પાટિલને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતા પ્રાપ્ત કરવાની શુભેચ્છા આપી હતી. સી.આર. પાટિલને ગુજરાત આલ્કલીઝના ચેરમેનપદે કેશુભાઈ પટેલના શાસનમાં જ નિમવામાં આવ્યા હતા. સી.આર. પાટિલને ગુજરાતના રાજકારણમાં મળેલી એ પહેલી મોટી તક હતી.