ગાંધીનગર પાસે કોરોનાને ભગાડવા યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં હજારો લોકો ઉમટ્યા, હાથી પર ડીજે સાથે નિકળી ભવ્ય શોભાયાત્રા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jul 2020 12:30 PM (IST)
આયોજકે યજ્ઞમાં આહૂતિ આપવાથી કોરોના મહામારી દૂર થવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે આ માટે શાસ્ત્રોનો હવાલો આપ્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. તેમજ સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે કલોલ તાલુકાના પલિયડ ગામે પાટોત્સવની શોભાયાત્રામાં હાથી અને ડીજે સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાળ્યા હતા. તેમજ લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. કાર્યક્રમના આયોજક દ્વારા યજ્ઞની આહૂતિથી કોરોના ભગાડવાનો પ્રયોગ હોવાનો દાવો કરાયો હતો. યજ્ઞમાં આહૂતિ આપવાથી કોરોના મહામારી દૂર થવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે આ માટે શાસ્ત્રોનો હવાલો આપ્યો હતો. પલિયડ ખાતે યજ્ઞ યોજાવાનો હોવાનો હોય મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જોકે, નિયમોનું પાલન નહીં થતાં કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યો છે. હાલ, તો આયોજકને લઈને પોલીસ રવાના થઈ છે. આયોજક દ્વારા મંજૂરી વગર કાર્યક્રમ યોજ્યો હોવાનું પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આયોજક દ્વારા આ કાર્યક્રમ અંગે મંજૂરી લીધી ન હોવાનો દાવો કર્યો છે.