ગાંધીનગર: રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. હવે ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું  છે. જે મુજબ જિલ્લામાં આગામી 30 એપ્રિલ સુધી તમામ પાનના ગલ્લા બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.


ગાંધીનગર જિલ્લામાં આવતીકાલથી લઈને  30 એપ્રિલ સુધી પાનના ગલ્લા બંધ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યએ જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે. જે લોકો આ નિયમનો ભંગ કરશે તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને IPCની કલમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.


રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધતા લોકો હવે સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે. રાજ્યના અનેક ગામડાઓમાં 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું છે. આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવે છે. 



રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે.  


એક્ટિવ કેસ 27000ને પાર



રાજ્યમાં આજે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે. 



કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?



આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત  કોર્પોરેશનમાં 16,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1  મોત સાથે કુલ 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.