ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. સવારે વલસાડમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમૂહુર્ત કર્યા બાદ તેઓ જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢમાં અનેકવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ તેઓ સાંજે ગાંધીનગરમાં ફોરેંસિક સાયંસ યુનવર્સિટીના ચોથા પદવીદાન સમારોહમાં પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.
તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, તમે જ્યારે આ શાખા પસંદ કરો છો ત્યારે લોકો તમારી સામે શંકાની નજરે જૂએ છે કે શું તમે ક્રાઈમમાં રસ ધરાવો છો? તમે એક એવા ક્ષેત્રમાં પ્રવેશ્યા છો જ્યાં તમે આજના યુગની મહત્ત્વની જરૂરિયાત પૂરી કરવા જઈ રહ્યા છો. હું આ યુનિવર્સિટીને સંચાલિત કરતા ડિરેક્ટર અને તેમના સ્ટાફને અભિનંદન પાઠવું છું.
મને કહેવાયું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ 6000થી વધુ અધિકારીઓને ટ્રેનિંગ આપી છે. જેમાં વિવિધ દેશોના 700થી વધુ અધિકારીઓ અહીં તાલીમ મેળવી ચૂક્યા છે. તેઓ અહીંથી આ તાલીમ પ્રાપ્ત કરીને પોતાના દેશના સમાજ અને ગુનાખોરીને ડામવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. મને ગર્વ છે કે ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે આટલી મોટી ભૂમિકા ભજવી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ પગી સમુદાયને પણ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કચ્છ અને સમુદ્રી વિસ્તારના પગી સમુદાયના લોકો રણમાં પડેલા ઊંટના પગલાના નિશાન પરથી ઓળખી જતા હતા કે ઊંટ એકલો આવ્યો હતો કે તેના પર કોઈ વ્યક્તિ બેઠી હતી કે પછી તેમના પર સામાન લાદવામાં આવ્યો હતો. આજે પણ પોલીસ અપરાધ રોકવામાં પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પરંપરાગત જ્ઞાનને ટેક્નોલોજી સાથે સાંકળવું જરૂરી છે.
પદવીદાન સમારોહને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી રાજભવન ખાતે યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. બાદમાં પ્રદેશ ભાજપના નેતાઓ સાથે ડિનર પણ લેશે. જેમાં સ્વાભાવિક છે વર્તમાન રાજકીય સ્થિતિ અને 2019ની તૈયારી અંગે ચર્ચાની સંભાવના છે.