ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિતે આશીર્વાદ લીધા હતા. નાનાભાઈ પંકજભાઈ સાથે માતા હીરાબા ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગ્લોઝ-2માં રહે છે. ત્યારે વહેલી સવારે 6 વાગ્યેને 26 મીનિટે વડાપ્રધાન રાજભવનથી રાયસણ જવા રવાના થયા હતા.










વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ માતા સાથે અનેકવાર મુલાકાત કરી છે. પરંતુ આજનો દિવસ વડાપ્રધાન મોદી માટે ખાસ છે કારણ કે આજે તેમની માતાનો 100મો જન્મદિવસ છે.






વડાપ્રધાન મોદી જ્યારે પોતાની કારમાંથી નીચે ઉતર્યા ત્યારે તેના હાથમાં એક બેગ જોવા મળી હતી.  આ બેગમાં માતા માટે ભેટ લઈને પહોંચ્યા હતા. વડાપ્રધાન આજના કાર્યક્રમનને લઇને શુક્રવારે ગુજરાત પહોંચ્યા હતા. PMના પરિવારને ભગવાન જગન્નાથમાં અનેરી આસ્થા છે. ત્યારે હીરાબાના જન્મદિવસ નિમિતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરાયું છે.  મંદિર ખાતે આજે યોજાનારા ભંડારામાં દાળ-ભાત, પુરી અને માલપુઆ પીરસાશે. આ ભંડારામાં મર્યાદિત સંખ્યામાં સાધુ- સંતો અને હીરાબાના પરિવારજનો ઉપસ્થિત રહેશે. આ તરફ PMના વતન વડનગરમાં પણ હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના તથા ભજનસંધ્યા સહિતના કાર્યક્રમો યોજાશે.


ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરશે. માતાજીના નવા મંદિર પર ધ્વજારોહણ અને વિકાસ કામોનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર આજે બપોરે 3 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. હાલ, પાવાગઢ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદીની વિરાસત વનની મુલાકાતનો કાર્યક્રમ રદ્દ કરાયો છે. એટલે કે હવે માત્ર પાવાગઢ મંદિરે જ ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજરી આપશે.


ત્યારબાદ વડાપ્રધાન મોદી બપોરે સાડા 12 વાગ્યે વડોદરા જવા રવાના થશે. જ્યાં લેપ્રસી મેદાનમાં પીએમ મોદી જંગી જાહેરસભાને સંબોધશે. પીએમ મોદી વડોદરા જિલ્લાને 21 હજાર કરોડના વિકાસ કામોની ભેટ આપશે. લોકોનું અભિવાદન ઝીલવા પીએમ મોદી ખુલી જીપમાં સવાર થઇ મિનિ રોડ શૉ યોજશે. જેને લઇને ખાસ તૈયારીઓ કરાઇ છે. એવો દાવો કરાઇ રહ્યો છે કે, જાહેરસભામાં 5 લાખ લોકો હાજર રહેશે. જેમની બેઠક વ્યવસ્થા માટે જર્મન ટેક્નોલોજીથી ખાસ 7 ડોમ તૈયાર છે. મેદાન બહાર મોદીનું 71 ફૂટ ઊંચુ પોસ્ટર લગાવાયું છે. પીએમ મોદીના હસ્તે આવાસોના લોકાર્પણ ઉપરાંત સિંધરોડ ખાતેના 50 MLD પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. જે સમયે પીએમ મોદી પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ત્યારે માંજલપુર વિસ્તારમાં 7 સ્થળે લોકો ફટાકડા ફોડી ઉજવણી કરશે.