ગાંધીનગરઃ વડાપ્રધાન  મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો  દિવસ છે. વડાપ્રધાન મોદી સવારે 10 વાગ્યે રાજભવનથી નીકળશે અને દહેગામ સુધી રોડ શો યોજશે. આ રોડ શોમાં વડાપ્રધાન મોદીનું અલગ અલગ સ્થળ પર સ્વાગત કરવામાં આવશે. રોડ શો પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમા કેમ્પસનું ઉદ્ઘાટન અને પ્રથમ પદવીદાન સમારોહમા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 1 વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી મોદી રાજભવન પરત ફરશે. જે બાદ સાંજે છ વાગ્યે અમદાવાદના નવરંગપુરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાશે.


પીએમ મોદી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમમાં 11માં ખેલમહાકુંભનો પ્રારંભ ઉદ્ધાટન કરાવશે. ગઈકાલે સાંજે ગૃહરાજ્યમંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાંજના સમયે ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતુ. સરદાર પટેલ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે કાર્યક્રમ શરૂ થશે ત્યારે સમગ્ર સ્ટેડિયમ લાઇટોથી ઝળહળી ઉઠશે. ખેલ મહાકુંભના ઉદ્ધાટન સાથે ગુજરાતની નવી સ્પોર્ટ્સ પોલિસી 2022ની પણ જાહેરાત થશે. આ સાથે જ રંગારંગ કાર્યક્રમો, ખેલાડીઓ સાથે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. તો 50 હજારથી વધારે લોકો હાજર રહેશે. જ્યારે પાંચ લાખ લોકો ઓનલાઇન આ  કાર્યક્રમ નિહાળશે.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી પણ કાર્યક્રમમા હાજર રહેશે. તો 1100 કલાકાર પર્ફોમન્સ કરશે. ખેલ મહાકુંભના કાર્યક્રમને લઈ સ્ટેડિયમથી એરપોર્ટ સુધી અભેદ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 3697 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે. સરદાર પટેલ સ્ટેડિયમ પર 1 આઇજી, 5 ડીસીપી, 9 એસીપી, 35 પીઆઇ, 157 પીએસઆઇ, 615 પોલીસકર્મીઓ મળી કુલ 822 પોલીસકર્મીઓ તૈનાત છે. જ્યારે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી એક-એક આઇજી, આઠ ડીસીપી, 14 એસીપી, 41 પીઆઇ, 110 પીએસઆઇ અને પોલીસકર્મીઓ હાજર છે.