ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને અહીં પહોંચીને તેમણે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અગાઉ નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલ અને ઇંદિરા ગાંધીને યાદ કરતા ટ્વીટ કર્યું હતું. સવારે ટ્વિટ કર્યું હતું કે, દેશની એકતાના સૂત્રધાર લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલને તેમની જન્મજયંતી પર શત-શત નમન. સાથે જ અન્ય એક ટ્વિટ કરી ઇંદિરા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી કે, દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.

- કેવિડિયા ખાતે NDRFનું નિદર્શન
- PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ
- હાલ પ્રધાન મંત્રી કેવડિયા કોલોની ખાતે નિહાળી રહ્યા છે રાષ્ટ્રીય એકતા પરેડ.
- અમિત શાહે દિલ્લીમાં રન ફોર યુનિટીનું કરાવ્યું પ્રસ્થાન
-  મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદમાં રન ફોર યુનિટીને આપી લીલી ઝંડી

નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબર અને સરદાર જયંતિએ સવારે ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા કોલોની પહોંચ્યા હતા. પીએમ મોદી સવારે સાડા 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પરેડમાં ઉપસ્થિત રહેશે. આ પછી 11 વાગ્યે આર્મ્ડ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે સાડા 12 વાગ્યાથી અઢી વાગ્યા સુધી પીએમ મોદી અધિકારીઓ સાથે સંવાદ કરશે. તેમજ બપોરે એક વાગ્યે તેઓ સંબોધન કરશે. સાંજે પાંચ વાગ્યે તેઓ કેવડિયા કોલોનીથી વડોદરા જવા રવાના થશે. વડોદરાથી વિમાન મારફતે તેઓ નવી દિલ્હી જવા માટે રવાના થશે.




નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી ગઈ કાલે રાત્રે ગુજરાત આવી પહોંચ્યા હતા. તેમજ રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યું હતું. એટલું જ નહીં, બુધવારે તેમણે માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા.