Gujarat Assembly Election 2022: જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પોસ્ટર વોર પણ શરૂ થઈ ગયું છે. ગાંધીનગરમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. ભાવિ મુખ્યમંત્રી અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણમાં જરૂર ન હોવાના પોસ્ટર લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે. તમને જણાવી દઈએ કે, ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને આ પોસ્ટર લાગ્યા હોવાની શક્યતા છે. શંભુજી ઠાકોરના બદલે અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપે તેવી અટકળો ચાલી રહી છે. પોસ્ટરમાં અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર પણ ગણાવવામાં આવ્યા છે.


ભગા બારડ રાજીનામું આપ્યું ભાજપમાં થયા સામેલ



તાલાલાના ધારાસભ્ય ભગા બારડે આજે રાજીનામું આપતાં કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેનને રાજીનામું સોંપ્યું હતું. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનું ઓપરેશન એક સાંસદે પાર પાડ્યું હતું. ભગાભાઈ બારડ ભાજપના મેન્ડેટથી તલાલાથી ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી છે.


ભગાભાઈને કેમ ભાજપમાં લાવવામાં આવ્યા ?


આદિવાસી બાદ મતો બાદ ભાજપની નજર આહિર મતો પર છે. ભાજપને આહિર સમાજના મોટા નેતાની જરૂર છે. આહિર મતોને ભાજપ તરફ વાળવા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વાસણભાઈ આહિરને રિપિટ ન કરવામાં આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે.


ભાજપમાં સામેલ થયા બાદ ભગાભાઈએ શું કહ્યું


ભાજપમાં સામેલ થયા બાદ ભગાભાઈ બારડે કહ્યું, દેશના લાંબી દ્રષ્ટિથી સાથે કામ કરતા પ્રમાણિક વ્યક્તિ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કામ કરવા આજે ભાજપમાં જોડાયો છું. આગેવાનો અને ટીકીદારોના વિશ્વાસ લઈને ભાજપમાં જોડાયો છું. હું વિકાસની રાજનીતિમાં માનવા વાળુ છું, અમે મૂળ કોંગ્રેસી નથી. ચીમનભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અમે જનતા દળમાં હતા. ના છૂટકે અમે એ સમયે કોંગ્રેસમાં સામેલ થયા હતા, મહત્વકાંક્ષા સાથે ક્યાંય જતા નથી. જે જવાબદારી સોંપે તે કામ કરીશ.


ભગા બારડ અંગે ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા


ભગા બારડ અંગે કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા આપતા કહ્યું, પક્ષ છોડી રહેલા ધારાસભ્યએ જ જાહેર કરવું જોઈએ કે શા માટે પક્ષ છોડી રહ્યા છે. ભાજપ તોડફોડની રાજનીતિ કરે છે, કોંગ્રેસના કાર્યકર્તાઓના કારણે ધારાસભ્ય પદ ટકી રહેલું હતું ત્યારે હવે એ જ જાહેર કરે કે શા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે.