ગાંધીનગર:  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાતના પ્રવાસે  આવી રહ્યા છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમના પ્રવાસમાં ટાઈમ ટેબલની વાત કરીએ તો તેઓ સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાર બાદ સવારે 10 વાગ્યે રાજભવન ખાતે જશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભામાં સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે. મળતી માહિતી પ્રમાણે બજેટસત્રની બેઠકમાં રાષ્ટ્રપતિ એક કલાક સંબોધન કરશે. તેઓ રાજભવન ખાતે જ રાત્રી રોકાણ કરશે.


તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ બે દિવસ ગુજરાતની મુલાકાતે રહેશે છે. તેઓ 24મી માર્ચે સવારે 11 વાગે વિધાનસભામાં આવશે અને રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળની ઉપસ્થિતિમાં જનપ્રતિનિધિઓને સંબોધન કરશે. તેઓ ગુજરાત સહિત દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવને ઉજવણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહશે. રાષ્ટ્રપતિની આ છેલ્લી ગુજરાત યાત્રી હોઈ શકે છે કારણ કે આ જ વર્ષે તેમનો કાર્યકાળ પણ પુરો થઈ રહ્યો છે.


આવતીકાલે રાજકીય પાર્ટીમાં થશે મોટી હલચલ


તો બીજી તરફ આવતીકાલનો દિવસ રાજકીય રીતે પણ મહત્વનો રહેશે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તે પહેલા જ રાજ્યમાં પાર્ટી બદલાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે વિવિધ રાજકિય પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે તેવી વાત સામે આવી છે.


નોંધનિય છે કે, રાજ્યના પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અંગે પણ ઘણા સમયથી અટકળો ચાલી રહી છે તેઓ પણ રાજકારણમાં પ્રવેશ કરશે. તો બીજી તરફ હાર્દિક પટેલ અંગે પણ અટકળો ચાલી હતી કે તેઓ કોંગ્રેસ છોડી આપમાં જોડાઈ શકે છે. જો આ બન્ને અંગે કોઈ નક્કર વાત સામે આવી નથી. રાજ્યનાં વિધાનસભાની ચૂંટમી પહેલા નેતાઓના પક્ષ પલટાને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.