ગાંધીનગરઃ PSI અને LRD ભરતીની શારિરીક કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ત્રણ ડિસેમ્બરથી PSI અને LRDની શારિરીક કસોટીનો પ્રારંભ થશે. ઉમેદવાર 26 નવેમ્બરથી ઓજસ વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે.
ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક કેડરની અને PSIની 1 હજાર 382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. LRD ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે. લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક છે અને PSIના 50 માર્ક છે. પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કરી હતી. પરીક્ષાની જાહેરાત સાથે જ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે તમામ ઉમેદવારોને શુભેચ્છા પણ પાઠવી.
લોકરક્ષકમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.
PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પોલીસ અને LRD ની સીધી ભરતીમાં 15 અને 8 નો નિર્ણય બદલ્યો છે.