અમદાવાદ: હાલ વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હજુ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે પણ અમદાવાદ અને ગાંધીનગર સહિત દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.

20 અને 21 તારીખે પણ અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ જગ્યાઓ પર ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ થાય તેવી સંભાવના છે.

આ સિવાય અઠવાડિયાના આગામી દિવસોમાં પણ રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પછી ઉત્તર ભારતના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી તોફાન શરૂ થયું છે.