ગાંધીનગરઃ રાજસ્થાનની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન ભાજપના કેટલાક ધારાસભ્યોને ગુજરાતમાં મોકલાયા છે. સિરોહી, ઉદેપુર અને ચિત્તોડના 12થી 15 જેટલા ધારાસભ્યોને ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના સંપર્કમાં ભાજપના ધારાસભ્ય હોવાના ડરના પગલે ધારાસભ્યોને ગુજરાત મોકલાયા છે. જેમાંથી 6 જેટલા ધારાસભ્યોને પોરબંદર આસપાસના વિસ્તારમાં રાખવાની શક્યતા છે. આ ધારાસભ્યોને ચાર્ટર પ્લેન મારફતે પોરબંદર લઈ જવાઈ રહ્યા છે.


12થી 15 ધારાસભ્યોને ગુજરાત ખસેડવાનું આયોજન થયાનો રાજસ્થાન ભાજપે સ્વીકાર કર્યો છે. કેટલાક ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. જ્યારે કેટલાક હજુ આવવાના બાકી છે. વસુંધરા જૂથના ગણાતા ધારાસભ્યોને ગુજરાતમાં સલામત સ્થળે ખસેડાશે તે નક્કી છે. જયપુર વિભાગના 6 ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેનથી વાયા અમદાવાદ સોમનાથ મોકલાશે.

રાજસ્થાનના પ્રદેશ પ્રવક્તા રામ લાલ શર્માએ જણાવ્યું હતું કે, 12થી 15 ધારાસભ્યો બે દિવસની ધાર્મિક યાત્રા પર છે. સોમનાથ મહાદેવના દર્શન કરશે. કેટલાક ધારાસભ્ય પહોંચી ચૂક્યા છે. જ્યારે કેટલાક ધારાસભ્યો પહોંચશે. આ ધારાસભ્યો બે દિવસ પછી યોજાનારી ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેવાના છે. સત્તીષ પુનિયાએ જણાવ્યું હતું કે, 12 ધારાસભ્યો પ્રવાસે નીકળ્યા હોવાની મારી પાસે જાણકારી છે.