ગાંધીનગરઃ રાજ્યસભામાં ગુજરાતમાંથી ભાજપના ત્રણેય ઉમેદવારોની બિનહરીફ જીત થઇ છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી ન કરતા ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. વિદેશ મંત્રી એસ.જયશંકર, વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહ અને પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈની બિનહરીફ જીત થઇ હતી. સંસદના સત્રની શરૂઆતમાં ત્રણેય શપથ લેશે. કોગ્રેસે ઉમેદવાર જાહેર ન કરતા હવે ચૂંટણી યોજાશે નહીં.
રાજ્યસભાની ત્રણ બેઠક માટે કુલ આઠ ફોર્મ ભરાયા હતા. પરેશ મુલાની અને નરેશ પ્રિયદર્શીએ અપક્ષ ઉમેદવારી કરી હતી. ફોર્મ ચકાસણી સમયે બંન્નેને એકપણ ધારાસભ્યોનું સમર્થન ન હોવાથી ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. આજે ફોર્મ પાછા ખેંચવાના દિવસે 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. રજની પટેલ, રઘુ હુંબલ અને પ્રેરક શાહ એ ડમી ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાથી ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા હતા.
આ સાથે ભાજપના ત્રણેય ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ જશે. એસ જયશંકર, કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ બિનહરીફ સાંસદ બન્યા હતા. જોકે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે.
કોણ છે કેસરીદેવસિંહ ઝાલા ?
કેસરીદેવસિંહજી ઝાલા વાંકાનેર સ્ટેટના મહારાજા છે. તેઓ ભાજપના સનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી તો વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
કોણ છે બાબુભાઈ દેસાઈ?
2007 થી 2012 સુધી બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય રહ્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. ગુજરાતના નામાંકિત મીડિયા ગ્રુપ દ્ધારા તેઓને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. ઓલ્ડ SSC અને અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકેની ઓળખાય છે.
Join Our Official Telegram Channel: