ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, સરકાર પૂરતા ICU બેડ અને સારા વેન્ટિલેટરની વ્યવસ્થા ઉભી કરે. અમદાવાદમાં જરૂરિયાતમંદ દર્દીઓને ICU બેડ અને વેન્ટિલેટર નથી મળતાં. 1200 બેડની હોસ્પિટલમાં ફક્ત 300 ICU બેડ છે. દેશના લોકોને વેક્સિનેશનની જરૂર છે તેની સામે સરકાર વિદેશમાં વેક્સિનેશન મોકલી રહી છે તે યોગ્ય નથી.


તેમણે જણાવ્યું હતું કે, દિલ્લી હાઈકોર્ટે કહ્યું તેમ વેક્સિનેશન માટે નાગરીકોને પ્રાથમિક્તા આપી હોત તો આજે દેશના નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ પણ મળી ગયો હોત. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દેશના નાગરિકોને સંપૂર્ણ વેક્સીન પૂરું પાડવાના બદલે બહારના દેશોમાં વેક્સીન વેચી રહી છે અને દાન આપી રહી છે તે બરાબર નથી. જે કામ આવતી કાલે (હવે પછી) કરીશું તેમ સરકાર કહે છે તે કામ ગઈ કાલે (પહેલા) પૂરું થઈ જવું જોઈતુ હતુ. 


તેમણે કહ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટની આટલી મોટી ચેતવણીની અવગણનાના કારણે જ આજે આપણો દેશ દુનિયામાં કોરોનાની બાબતમાં બીજા નંબર ઉપર પહોંચી ગયો છે. જો શરૂઆતથી જ વેક્સીનેશન ઝડપથી કરવામાં આવ્યું હોત અને જેમ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું તેમ દેશના નાગરિકોને પ્રાથમિકતા આપી હોત તો આજે દેશમાં નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ પણ મળી ગયો હોત અને કોરોનાની ભયંકર પરીસ્થિતિ માંથી બચાવી શકાયા હોત.


તેમણે જણાવ્યું હતું કે, લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. અને જવાબ સુધ્ધા આપવા કોઈ હોતું નથી. લોકોનું જીવન અણમોલ છે માટે રાજકીય પ્રવૃત્તિ બાજુએ મુકીને નાગરિકોના જીવન બચાવવા સરકાર સક્રિય બને તે જરૂરી છે.