ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો તમારી ખેર નથી. મળતી જાણકારી અનુસાર, હવે ટ્રાફિક નિયમના ભંગના પાંચથી વધુ મેમો હશે તો હવે આરટીઓ જ વાહનચાલકોનું લાઈસન્સ રદ કરી શકશે. વાહન વ્યવહાર વિભાગે આ માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જો કે અંતિમ નોટિફિકેશન જાહેર થયા બાદ નિયમ અમલી બની જશે. મળતી માહિતી અનુસાર, વાહન વ્યવહાર વિભાગના મતે  જે વાહન ચાલકના નામ પર પાંચથી વધુ મેમો હશે તેને સૌથી પહેલા નોટિસ અપાશે અને જવાબ માંગવામાં આવશે. વાહન ચાલકને સવાલ પૂછવામાં આવશે કે તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ કયા કારણોસર રદ ન કરી શકાય. જવાબના આધારે આરટીઓ લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરશે.

Continues below advertisement

અત્યાર સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસની સૂચના બાદ આરટીઓ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરતી હતી. અત્યારે ટ્રાફિક પોલીસની સૂચનાના આધારે વર્ષમાં માંડ બેથી 3 હજાર ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરી શકાય છે. જ્યારે પાંચથી વધુ વખત મેમો ઈશ્યૂ થયા હોય તેવા વાહન ચાલકોની સંખ્યા એક લાખથી વધુ છે. જેને ધ્યાનમાં રાખીને નવો નિયમ બનાવાઈ રહ્યો છે. વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઈસન્સ ત્રણથી નવ મહિના સુધી રદ કરવામાં આવે છે. વાહન પર કેટલા મેમો બાકી છે અને કઈ કેટેગરીના મેમો છે તેની ચકાસણી કરવામાં આવે છે. આ સિવાય છેલ્લા કેટલાં વર્ષોથી મેમો ભરાયો નથી તેની પણ તપાસ થાય છે.

જ્યારે કેટલાક ગંભીર કેસોમાં અકસ્માત કરીને લોકોના જીવ લેનારા લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમ માટે રદ કરાતા હોય છે. આ વર્ષે જ 13 કરોડથી વધુના મેમોની રકમ પેન્ડિંગ છે.

Continues below advertisement

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગૂગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો દંડની રકમ ઓનલાઈન ભરી શકશે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમથી ઓનલાઈન ચૂકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ભારતીય સ્ટેટ બેન્ક સાથે MOU કર્યા હતા.