ગાંધીનગરઃ આગામી પહેલી ફેબ્રુઆરીથી ધોરણ-9 અને ધોરણ-11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, કેબિનેટમાં ધોરણ 9 અને 11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ધો. 10,12માં કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધર્યા પછી હવે ધો. 9 અને 11માં પણ કલાસરૂમમાં શૈક્ષણિક કાર્યને મંજૂરી આપી દેવામાં આવી છે.

કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય હાથ ધરવું પણ સરકાર માટે પડકારજનક છે. કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે.