GANDHINAGAR: રસ્તો ઓળંગવા માટે રાહદારીઓએ સિગ્નલ બંધ થવાની રાહ નહીં જોવી પડે. રાહદારીઓ ઈચ્છે ત્યારે બટન દબાવી સિગ્નલ બંધ કરી અને રસ્તો ઓળંગી શકે છે અને ત્યારબાદ બીજા છેડે જઈ બટન દબાવી અને ટ્રાફિક ફરી એક વખત પૂર્વ પરત કરી શકે છે.  વર્લ્ડ ક્લાસ ગણાતી આ સુવિધાનો લાભ હાલ ગુજરાતની રાજધાની ગાંધીનગરના લોકોને મળી રહ્યો છે. પાયલેટ પ્રોજેક્ટ તરીકે અત્યારે ગાંધીનગરના ચ 0 થી ઇન્દિરા બ્રિજ સુધીના 11 કિલોમીટરના રસ્તા ઉપર આવા સ્માર્ટ પોલ લગાવવામાં આવ્યા છે. પાઈલટ પ્રોજેક્ટ સફળ થતાની સાથે રાજ્યના અન્ય મહાનગરોમાં પણ આ પ્રકારની સુવિધા ઉભી કરી અને મેટ્રો શહેરમાં રહેતા લોકોને આ લાભ આપવામાં આવશે.


વર્લ્ડ બેંક અને ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ 12 કરોડના ખર્ચે ગાંધીનગરમાં આ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટફોન ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ આ સ્માર્ટફોન એક્ટિવ પણ કરી દેવામાં આવ્યા છે. જોકે હજુ વાહન ચાલકો સુધી આ માહિતી પહોંચી નથી. સમગ્ર પ્રોજેક્ટ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ જ્યારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને લોકો સુધી આ માહિતી પહોંચશે ત્યારબાદ વિદેશમાં જે રીતની સુવિધા રાહદારીઓ ભોગવી રહ્યા છે એ જ પ્રકારેની સુવિધા ગાંધીનગરવાસીઓ પણ ભોગવી શકશે.


રાજય સરકારનો મહત્વનો નિર્ણય


મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના પુન:જીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય રૂ. ૨૦,૦૦૦/- થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦/- નો નોંધપાત્ર વધારો કરવાની અંદાજપત્રમાં જાહેરાત કરી હતી. અંદાજપત્રમાં કરાયેલ જાહેરાતનો ત્વરિત અમલ કરી ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની દિકરીને મંત્રી ભાનુબેનના હસ્તે આજે ઓનલાઈન સહાય ચૂકવવામાં આવી હતી.


તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને આર્થિક ઉત્થાન માટે અનેકવિધ નિર્ણયો કરાયા છે અને બજેટમાં કરાયેલ નવી જાહેરાતનો પણ સત્વરે આજથી અમલ શરૂ થઈ ગયો છે. જે અતર્ગત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રિત મહિલાઓ સન્માનપુર્વક જીવન જીવી શકે માટે લગ્ન સહાય તરીકે રૂા. ૨૦,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવતી હતી. તેમા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં મુખ્ય મંત્રી દ્વારા મહિલા કલ્યાણલક્ષી ઉદાર નીતિ થકી વધુ એક નિર્ણય કરીને આશ્રિત દીકરીના લગ્ન સહાયની રકમ રૂા. ૨૦,૦૦૦/- થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦/- કરવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. જેમા રૂ. ૫૦,૦૦૦/- દીકરીનાં બેંક ખાતામાં સીધા DBT થી અને રૂ. ૫૦,૦૦૦/-  નેશનલ સેવીંગ સર્ટિફિકેટ (NSC) તેમજ રૂ. ૫૦,૦૦૦/- લગ્ન માટે આનુષાંગિક ખર્ચ માટે ચૂકવવામાં આવશે.


અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે


શિક્ષક કભી સાધારણ નહિ હોતા. ચાણક્ય દ્વારા કહેવાયેલું આ વાક્ય વર્ષોથી સાર્થક થતું હોય તેમ દેશના પ્રધાનમંત્રીની લઇને રાષ્ટ્રપતિ પણ શિક્ષકોને સન્માન આપતા રહ્યા છે. વધુ એક આવી ઘટના ગુજરાતમાં બનવા જઈ રહી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મુ રાષ્ટ્રીય અધિવેશન 12 અને 13મી મે દરમિયાન ગાંધીનગરના વલાદ ખાતે યોજાશે. ઇતિહાસમાં પ્રથમ વાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. બે દિવસના આ અધિવેશનનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. ગુજરાત અને દેશભરમાંથી આવેલા શિક્ષકોને પ્રધાનમંત્રી સંબોધશે. અધિવેશનમાં શિક્ષક, શિક્ષણ, શિક્ષણ નીતિ વગેરે બાબતો અંગે ચર્ચા થશે. આ અધિવેશનમાં ગુજરાત અને દેશમાંથી 80 હજાર શિક્ષકો આવવાનો અંદાજ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.