ગાંધીનગર:  પીએમ મોદી ગુજરાત પ્રવાસ પુરો કરી દિલ્લી રવાના થઈ ગયા છે. આ દરમિયાન તેમણે ઘણા નેતાઓ,અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ ખૂબ લાંબા સમય બાદ ગુજરાતના બે દિગ્ગજ નેતાઓની પણ મુલાકાત થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એક સમયના સાથી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા.


ગાંધીનગર રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ હતી. જો કે, આ મુલાકાત કોઈ રાજકીય ન હતી પરંતુ શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નના સત્કાર સમારોહનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું. શંકરસિંહ વાઘેલા પોતાના પૌત્રના લગ્નનું આમંત્રણ પીએમ મોદીને આપવા રાજભવન આવ્યા હતા. 12 માર્ચના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નનો સત્કાર સમારોહ છે.


PM મોદી દિલ્લી જવા રવાના


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી જવા રવાના થયા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા.. આજે બીજા દિવસે પ્રધાનમંત્રીએ રાજભવનમાં સળંગ બેઠકો યોજી હતી. રાજકીય બાબતો અંગે સરકાર અને સંગઠનની બાબતે ચર્ચા માટે એક બેઠક યોજી હતી. તો બીજી બેઠક રાજ્યના આર્થિક રોડમેપ અંગે ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બંને બેઠકોને લઈ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.


રાજભવન પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરી


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી રાજભવન પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરી હતી. આ બેઠકમાં રાજકીય ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે આ બેઠકમાં સરકાર અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ અને ગુજરાત ભાજપના સંગઠનના મહામંત્રી રત્નાકર હાજર હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ ત્રણેય નેતાઓ સાથે પ્રધાનમંત્રીએ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ, સંગઠનમાં ફેરફાર અંગે, મંત્રીમંડળના વિસ્તરણ અંગે, સંસદીય સચિવોની નિમણૂકો અંગે ચર્ચા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.



પ્રધાનમંત્રીએ મોદીએ ત્રણેય નેતાઓ સાથે દોઢ કલાક ચર્ચા કરી હતી


આ ઉપરાંત લોકસભાની આગામી ચૂંટણીના પ્રચાર અને ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી પીએમને મળવા ગયા ત્યારે બોર્ડ અને નિગમોની નિમણૂક અંગે ચર્ચા થઈ હતી. આ બાબતે આજે મળેલી બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત ભુપેન્દ્ર પટેલની નવી સરકાર 100 દિવસ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે આ સમય દરમિયાન સરકારના વિવિધ વિભાગોમાં થયેલા અને થનારા કામોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વિધાનસભાની ચુંટણી સમયે ગુજરાતની જનતાને આપેલા વચનો પૈકી કેટલા કર્યો શરૂ થયા અને કેટલા કમો ક્યારે શરૂ થશે તે અંગેની ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રધાનમંત્રીએ મોદીએ ત્રણેય નેતાઓ સાથે રાજભવન ખાતે સમગ્ર વિષય સંદર્ભે અંદાજિત દોઢ કલાક ચર્ચા કરી હતી.


રાજકીય મુદ્દે ચર્ચા પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ અંગે રાજ્યના સિનિયર આઇએએસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકની અંદર મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, હારીત શુક્લા, આઈબીના ચીફ અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક અંદાજિત 3 કલાક સુધી ચાલી હતી. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ધોલેરા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વેદાંતા કંપની દેશનો સૌથી મોટો સેમીકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરામાં સ્થાપી રહી છે. ધોલેરા એરપોર્ટનું કામ 70 ટકા જેટલું પૂર્ણ થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત રાજકોટમાં બની રહેલી એમ્સની પણ સમીક્ષા કરાઈ હોવાની ચર્ચા છે.