Gujarat Budget Session:આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. આજે બપોર 12 વાગ્યે વિધાનસભા ગૃહની બેઠક મળશે. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઠરાવ અને ઉલ્લેખ રજૂ કરાશે.


ત્યારબાદ પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરશે.  હાલમાં ગુજરાતમાં જુદા-જુદા ત્રણ ગણોત વહીવટના કાયદા અમલમાં છે.


તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારો કરીને સરકાર ખેતીની જમીન બિનખેતી કરવા મંજૂરી આપશે. તો ટ્રસ્ટની જમીન બિનખેતી કરવાની સત્તા સરકાર પોતાના હસ્તક લઈ લેશે. આજથી શરૂ થનારા બજેટસત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે.  જ્યારે આવતીકાલે રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજ્યની જનતા રાજ્ય સરકાર પાસેથી અનેક આશા-અપેક્ષા રાખી રહી છે. લોકસભા ચૂંટણીના કારણે ગુજરાતના બજેટમાં વીજશુલ્ક અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતની સંભાવના છે.


બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવશે સરકાર


રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે   સરકાર આ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે વિપક્ષને વિનંતી કરી છે કે તેઓ સર્વસંમતિથી રામ મંદિર માટે અભિનંદન ઠરાવ પસાર કરે. સરકારે વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા અને કહ્યું કે ભાજપ સરકાર જનહિતમાં નિર્ણયો લે છે અને આ વખતે પણ સારું બજેટ રજૂ કરવામાં આવશે જે તમામ વર્ગો માટે હશે.


હાલમાં માહિતી છે કે, વિધાનસભાના આગામી બજેટ સત્રમાં સરકાર જમીનના કાયદામાં સુધારો કરશે. 'ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024' ગૃહમાં રજૂ થશે. ગુજરાતમાં હાલ ત્રણ જુદાજુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવા સરકાર મંજૂરી આપશે, વિવિધ વિસ્તારમાં બિનખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી, કેટલીક સંસ્થા, કંપની અને ટ્રસ્ટ દ્વારા અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નથી, આવી સંસ્થાઓ, કંપનીઓ અને ટ્રસ્ટની રજૂઆતના પગલે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારાઓ કરાશે. ખાસ વાત છે કે, આ કાયદો અમલમાં આવતા રાજ્યના વિવિધ વિસ્તારમાં વર્ષ 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે. ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ પોતાની જમીન બિનખેતી કરી શકશે.