Ahmedabad:  રાજ્યમાં ચાલતી નેફ્રોલોજી એસોસિએશનની હડતાળનો અંત આવ્યો છે. સીએમ સાથે મુલાકાત બાદ આંદોલન સમેટાયું છે. સરકાર અને એસોસિએશન વચ્ચે ભાવ મુદ્દે મધ્યસ્થી થઈ છે. અગાઉ 2200 રૂપિયા ડાયાલિસિસના અને 300 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન પેટે ચૂકવાતા હતા. નેફ્રોલોજી એસોસિએશને ડાયાલીસીસનો દર 2500 રૂપિયા કરવા માંગ કરી હતી. સરકારે મધ્યસ્થી કરતા હવે 1900 રૂપિયા દર નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યના 120 નેફ્રોલોજીસ્ટે સંમતિ આપતા આંદોલનનો અંત આવ્યો છે.

 PMJAY યોજના દ્વારા ડાયાલિસિસની સારવારના ચુકવાતા દરમાં ઘટાડાના વિરોધમાં ચાલતા આંદોલનમાં મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ આજે આરોગ્યમંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેની મંત્રણા એક સમાધાનકારી નિર્ણય પર પહોંચતા, ગુજરાતભરના નેફ્રોલોજીસ્ટ અને બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરોના આંદોલનનો સુખદ અંત આવ્યો છે.


 ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા સરકારની PMJAY યોજના હેઠળ ડાયાલિસિસ સારવારના ચુકવાતા દરમાં તાજેતરમાં જાહેર કરાયેલ ઘટાડાના વિરોધમાં રાજયભરના નેફ્રોલોજીસ્ટ અને PMJAY યોજના સાથે સંકળાયેલા તમામ બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરો આંદોલન ચલાવી રહ્યા હતા. જે અંતર્ગત 21 ઓગષ્ટના રોજ નેફ્રોલોજીસ્ટ તબીબોનું પ્રતિનિધિ મંડળ રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબને મળી તેમની સમસ્યાનો ચિતાર આપ્યો હતો. જે સંદર્ભે આજે આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ , આરોગ્ય કમિશ્નર શાહમીના હુસેન મ સહિતના અધિકારીઓ સાથે મંત્રણાના અંતે બન્ને પક્ષે સમાધાનકારી નિર્ણય પર પહોંચતા, ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન (જી.એન.એ.) દ્વારા ચલાવાતા આંદોલનનો સુખદ અંત જાહેર કરવામાં આવ્યો હતો.


આ અંગે વિગતો આપતા ગુજરાત નેફોર્લોજીસ્ટ એસોસીએશન જણાવ્યું કે, ગત સપ્તાહમાં તબીબો ભાજપના વિવિધ હોદેદારો, મંત્રીઓ અને ધારાસભ્યોને મળ્યા બાદ ૨૧ ઓગષ્ટના રોજ મુખ્યમંત્રીનો સમય માંગી ગાંધીનગર ખાતે તેમને મળવા ગયા હતા. જયાં તબીબોએ માનનીય મુખ્યમંત્રીને આખો પ્રશ્ન સવિસ્તાર સમજાવી તેની અસરો અને તેના દ્વારા કિડની ફેઇલ્યર જેવી ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓની સારવારમાં નેફ્રોલોજીસ્ટ તબીબો અને બિન-સરકારી ડાયાલિસિસ સેન્ટરો કેવી રીતે જીવનરક્ષક કાર્ય કરે છે, તે અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ પણ આ પ્રશ્નને ગંભીરતાથી સમજીને તાત્કાલિક રીતે તેના ઉકેલ લાવવાની બાહેધરી આપી હતી.


આ મુલાકાતના અનુસંધાને આજે  ગુજરાત નેફોર્લોજીસ્ટ એસોસીએશનના હોદેદારોના પ્રતિનિધિ મંડળે આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ, આરોગ્ય કમિશ્નર શાહમીના હુસેન મ, આઇ.કે.ડી.આર.સી ના ડાયરેકટર ડો.વિનિત મિશ્રા, PMJAY યોજનાના અધિકારીઓમાં ડો. સુરેન્દ્ર જૈન અને ડો. શૈલેષ આનંદ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મંત્રણા યોજવામાં આવી હતી. જેમાં બંન્ને પક્ષની રજૂઆતો અને પ્રશ્નોની વિચારણાઓના અંતે બન્ને પક્ષને માન્ય શરતો ઉપર સમાધાનકારી નિર્ણય લેવાયો હતો.