ગાંધીનગર:  કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાતમાં વિધાનસભા સત્ર આવતીકાલથી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે વિધાનસભા સત્ર શરુ થતા પહેલા ભવનમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં અત્યાર સુધીમાં ચાર ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાં કૉંગ્રેસના ત્રણ ધારાસભ્ય અને ભાજપના એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના 70 ધારાસભ્ય અને કૉંગ્રેસના 42 ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.


જે ચાર ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમાં સાણંદના કનુભાઈ પટેલ, લાઠીના વિરજી ઠુમ્મર, વ્યારાના પુના ગાવિત અને ધાનેરાના નથા પટેલ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.

ધારાસભ્ય વિરજી ઠુમ્મરે બે વખત એન્ટીજન ટેસ્ટ કરાવ્યા હતા જેમાં બંને વખત પોઝિટિવ આવ્યા છે. કોરોના સંક્રમિત થતા હવે આ ચારેય ધારાસભ્યો વિધાનસભા સત્રમાં હાજર રહી શકે નહીં.

રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમા કુલ સંક્રમિતોની સંખ્યા એક લાખ 21 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક ત્રેત્રીસોને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 102571 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.