ગુજરાતમાં માસ્ક ન પહેરવા પર આવતી કાલથી કેટલો થશે દંડ? મુખ્યમંત્રી રૂપાણીએ શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Aug 2020 12:07 PM (IST)
રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતી કાલથી અમલ કરવામાં આવશે. રાજ્યમાં આવતી કાલ એટલે કે 11 ઓગસ્ટથી જાહેરમાં માસ્કના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અગાઉ માસ્ક ન પહેરવા પર ગુજરાતમાં પહેલા રૂપિયા 200 અને પછી 500 રૂપિયા દંડ કરાયો હતો. જોકે, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યા પછી માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ફરીથી વધારો કરાયો છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતી કાલથી અમલ કરવામાં આવશે. રાજ્યમાં આવતી કાલ એટલે કે 11 ઓગસ્ટથી જાહેરમાં માસ્કના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. સીએમએ અપીલ કરી કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં લોકો બહાર નીકળીને ભીડ ભાડ ના કરે, કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો માનવે તેવો અનુરોધ છે.