સોમવારથી વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર થશે શરૂ, ખેડૂતો-વિદ્યાર્થીઓના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે
abpasmita.in | 07 Dec 2019 08:55 PM (IST)
9 થી 11 ડિસેમ્બરના આ ટૂંકા સત્ર દરમિયાન કુલ 4 બેઠક યોજાશે. સત્ર દરમિયાન સરકાર કેટલાક બિલ રજુ કરશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર સોમવારથી શરૂ થવાનું છે. 9 થી 11 ડિસેમ્બરના આ ટૂંકા સત્ર દરમિયાન કુલ 4 બેઠક યોજાશે. સત્ર દરમિયાન સરકાર કેટલાક બિલ રજુ કરશે. જ્યારે વિરોધ પક્ષ ખેડૂતોને નુકસાન અને પાક વિમા, બિનસચિવાલય પરિક્ષામાં ગેરરીતિ, દુષ્કર્મની ઘટનાઓ સહિતના વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરશે. સત્રની પ્રથમ બેઠકમાં શોક પ્રસ્તાવ રજુ કરાશે. પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પટેલને શોકાંજલિ આપવાની સાથે આ બેઠક પૂર્ણ થઈ જશે. બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી બાદ સરકારી વિધેયકો પરની ચર્ચા હાથ ધરાશે. આ સત્ર દરમિયાન સરકાર 8 સરકારી વિધેયકો રજુ કરશે. વિધાનસભા સત્રના બીજા દિવસે જુદા-જુદા 5 બિલ રજુ કરાશે. 10 ડિસેમ્બરના રોજ વિધાનસભા મળવાના બીજા દિવસે જુદા-જુદા 5 બિલ હાથ પર લેવાશે. જેમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરીષદ સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક, ગુજરાત જમીન મહેસુલ તૃતિય સુધારા વિધયેક, ગુજરાત સહકારી મંડળી દ્વીતિય સુધારા વિધેયક, ગુજરાત સુક્ષ્મ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો અંગેનું સુધારા વિધેયક, ગુજરાત વિદ્યુત શુલ્ક દ્રીતીય સુધારા વિધેયક, ગુજરાત વ્યવસાયી ટેક્નિકલ શિક્ષણ કોલેજો અને સંસ્થાઓ પ્રવેશ તથા ફિ નિર્ધારણ બાબાતનું સુધારા વિધેયક. વિધાનસભાના ત્રીજા દિવસે અને અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેમવલેપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નસ વિધેયક રજુ થશે. આ સાથે જ મહાત્મા ગાંધીની 150મી જયંતિનો પ્રસ્તાવ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા લાવશે. વિવિધ ધારાસભ્ય પોતાના વિચારો રજુ કરશે.