ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં અમદાવાદ, સુરત , રાજકોટ અને વડોદરા એ ચાર શહેરોમાં નાઈટ કરફ્યુ લાદી દેવાયો છે. રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેની સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે અને વિજય રૂપાણી સરકારને ઝાટકી છે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે રાજ્યમાં ફરી લોકડાઉન લદાઈ શકે છે એવી અફવાઓ પણ ચાલી રહી છે ત્યારે હવે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે. મોદી ગુજરાતમાં લોકડાઉન લાદવા કે કરફ્યુનો અણલ કરાવવા સહિતનાં સૂચનો કરી શકે છે એવી અટકળો ચાલી રહી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક સવારે 10 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. વડાપ્રધાન મોદી સાથેની આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, હરિયાણા, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ જોડાશે. ત્યારબાદ બપોરે 12 કલાકે બાકીના રાજ્યોના મુખ્યમંત્રી વડાપ્રધાન સાથે યોજાનારી મહત્વની બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા અને વેક્સિન વિતરણની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતી ગંભીર અને શહેરોમાં સ્થિતિ વધારે ગંભીર બની છે. એક સમયે કાબૂમાં આવી ગયેલી સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર પણ સતર્ક બની છે. શિયાળામાં સ્થિતિ વધારે વકરવાની WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે. આ સ્થિતિમાં કોરોનાને ફેલાતો રોકવા ગુજરાત સહિતનાં આઠ રાજ્યોમનાં ફરી એકવાર લોકડાઉન જાહેર કરવામાં આવશે કે કેમ તેવી ચર્ચા ચાલી રહી છે.

સૌ કોઈની નજર ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર પર છે. આ ત્રણ રાજ્યોમાં અચાનક જ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે તેથી અહીં ફરી એકવાર લોકડાઉન કે કરફ્યુ જેવા આકરા પ્રતિબંધો લાદવામાં આવશે કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે. રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની આ બેઠકમાં રાજ્યના વરિષ્ઠ અધિકારી પણ સામેલ થશે