ગાંધીનગરઃ રાજ્યમાં કર્ફ્યૂને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે,  સોમવારથી અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યૂ પૂર્ણ થઇ જશે. જોકે,  અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં માત્ર રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજયના લોકોને સાંજ પછી બિનજરુરી ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો. માસ્ક ન પહેરનાર લોકો સામે કડક કાર્રવાઈ કરવા મુખ્યમંત્રી રૂપાણીએ પોલીસને સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કર્ફ્યૂને સફળ બનાવવા નાગરિકોનો આભાર પણ માન્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, લોકોએ ગભરાવવાની જરુર નથી. સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે.

તેમણે કહ્યું હતું કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો હતો.  આવતીકાલથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે સાથો સાથ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ગઈકાલથી જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેવાનો છે.

તેમણે યુવાઓને અપીલ કરી હતી કે તેઓ સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન કરે. બિનજરૂરી બહાર જવા-આવવાનું ટાળે. તેઓ તો યુવા અવસ્થામાં સ્વસ્થ છે પરંતુ જો સંક્રમણ લઈને ઘરે જશે તો ઘરમાં વડીલોને અસર થશે એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે. આ ચાર શહેરો સિવાય રાજ્યના બાકીના નગરો અને ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકો રાત્રે ઘરમાં જ રહે તેવી પણ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. લોકો ફરજિયાત માસ્ક પહેરે જ તેવી ખાસ અપીલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે માસ્ક ન પહેરનાર લોકો સામે રૂ. ૧૦૦૦/-નો દંડની કડક કાર્યવાહી પોલીસ કરશે તેવી સૂચનાઓ પણ આપી છે. નાગરિકોએ ગભરાવવાની કોઇ જરૂર નથી. રાજ્ય સરકારે હોસ્પિટલોમાં પૂરતા બેડ, ડૉક્ટરો તથા ત્વરિત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થાઓ સુનિશ્વિત કરેલી છે.