ગાંધીનગરઃ ગુજરાત સરકારે જાહેર કરેલા અનલૉક 2 માટેના નિયમો હેઠળ કન્ટેઈનમેન્ટ અને માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની બહાર દુકાનો રાતના આઠ વાગ્યા સુધી અને રેસ્ટોરાં રાતના નવ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. આજથી અનલોક 2ના નવા નિયમો લાગુ થશે.


જાહેરમાં, બસમાં કે અન્ય કોઈ સ્થળે માસ્ક પહેર્યા વિના જ ફરનારા નાગરિકોને 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જાહેરમાં થૂંકનાર વ્યક્તિને પણ 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

ગુજરાતમાં દુકાનો રાત્રે 8 અને રેસ્ટોરાં 9 વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે. રાતના 10થી સવારે 5 સુધી કરફ્યુ રહેશે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં આપવામાં આવેલી વિગતો મુજબ જે તે જિલ્લાના કલેક્ટર કચેરીની વેબસાઈટ પર જ કન્ટેઈનમેન્ટ અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની વિગતો સતત અપડેટ કરવામાં આવશે.

જોકે જે કામદાર, કર્મચારી, વર્કર, દુકાન માલિકનું ઘર કન્ટેઈમેન્ટ ઝોનમાં આવતું હશે તેમને તેમના વિસ્તારમાંથી બહાર નીકળવાની છૂટ આપવામાં આવશે નહિ. શેરીમાં ફરીને શાકભાજી વેચનારાઓએ પણ અગાઉથી નિશ્ચિત કરેલા નિયમનું પાલન કરવું પડશે.

ઓટો રિક્ષામાં ડ્રાઈવર તેના ઉપરાંત બે જ પેસેન્જરને બેસાડી શકશે. બેથી વધુ પેસેન્જર બેસાડવા ગુનો ગણાશે. ટેક્સિમાં પણ ડ્રાઈવર ઉપરાંત બે પેસેન્જરને જ બેસાડી શકાશે. છ પેસેન્જરથી વધુને બેસાડવાની જગ્યા ધરાવતા વાહનોમાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ પેસેન્જરને બેસાડવાની છૂટ આપવામાં આવી છે. ટુ વ્હિલર પર ડ્રાઈવર વત્તા એક વ્યક્તિ સવારી કરી શકશે.

ખાનગી ઑફિસો ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થવું ફરજિયાત છે.

આ સાથે જ સરકારે રમતગમત માટેના સ્ટેડિયમ ચાલુ કરવાની છૂટ આપી દીધી છે. જોકે આ મેદાનમાં મોટી સંક્યામાં લોકોને હાજર રહેવાની છૂટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે તમામ શૈક્ષણિક, તાલીમ, સંશોધન, કોચિંગ ઇન્સ્ટિટયૂટ ચાલુ કરવાની છૂટ આપવામાં આવી નથી. ઉપરાંત સિનેમા હોલ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ, મનોરજંન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બ્લી હોલ અને તેના જેવા અન્ય સ્થાનો ચાલુ કરવા દેવાની છૂટ આપવામાં આવશે નહિ.

સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને મોટી માનવ મેદની એકત્રિત કરતાં કોઈપણ સમારોહ કરવાની છૂટ આપવામાં આવશે નહિ.

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની શરતે તમામ ધર્મસ્થાનકો ચાલુ કરવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મસ્થાનકોમાં કોઈ જ મોટા સમારોહ કરવાની છૂટ મળશે નહિ.