રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં વરસાદે તમામ કસર પૂરી કરી દીધી છે. રાજ્યમાં અત્યાર સુધી 33.60 ઈંચ સાથે સિઝનનો 102.73 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જોકે રસપ્રદ રીતે ગુજરાતમાંથી જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાય છે તેવા દક્ષિણ ગુજરાત કરતા કોરાધાકોર ગણાતા કચ્છમાં આ વખતે બમણા કરતાં વધુ સરેરાશ વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 90.21 ટકા જ્યારે કચ્છમાં 188.04 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં હજુ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 87.44 ટકા, સૌરાષ્ટ્રમાં 134.81 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો
78.98 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આ વખતે સરેરાશ 4.92 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એક પણ તાલુકો નથી. 4.26 ઈંચથી 9.84 ઈંચ વરાસદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે. 42 તાલુકામાં 9.88 ઈંચથી 19.86 ઈંચ, 139 તાલુકામાં 19.72 ઈંચથી 39.37 ઈંચ જ્યારે 69 તાલુકાઓમાં 39.38 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 76 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે તો 120 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 14 ડેમ એલર્ટ પર છે.

ઝોન વાઈઝ ડેમમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના 140 ડેમમાં 88.56 ટકા પાણીનો જથ્થો છે તો કચ્છના 20 ડેમમાં 55.87 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46.15 ટકા પાણીનો જથ્થો છે તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.29ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.13 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 65.64 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.