ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની ગુજરાત સરકારે ખાતરી આપી હતી. આ ખાતરી છતાં તમામ કેસો પાછા ના ખેંચાતાં પાટીદાર સમાજમાં અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની ખાસ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા થશે અને કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
આ બેઠકમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ઉમિયા માતા સંસ્થાન, ઊંઝાના પ્રતિનિધિને નિમંત્રમ અપાયું છે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા સહિતના નેતા હાજર રહેશે. આ ઉપરાંત અન્ય પાટીદાર આગેવાનોપણ હાજર રહેશે. 6 ડીસેમ્બર, 2011 ને સોમવારના રોજ સાંજે 6.30 કલાકે આ બેઠક બોલાવાઈ છે.
તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી. આ પહેલાં ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠકમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. પાટીદારોનાં બે મોટાં સંગઠનો સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની બેઠકમાં નિર્ણય કરાયો હતો કે, આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે.
મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના લાલજી પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ના અલ્પેશ કથેરિયા વચ્ચે પોતપોતાના સમર્થકો સાથે બેઠક થઈ હતી.
પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા યોજાયેલી બેઠકમાં એ વાત પર ભાર મૂકાયો હતો કે, પાટીદાર સમાજ દ્વારા આનંદીબેન પટેલની સરકાર વખતે કરાયેલા આંદોલનમાં રજૂ કરાયેલી માંગણીઓ પૈકી હજુ કેટલીક માંગ બાકી છે અને સરકારે તેનો અમલ કર્યો નથી. આ માગણીઓનો તાકીદે અમલ કરાવવા માટે સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS) સંયુક્ત રીતે આંદોલન કરશે.
આ માગણીઓમાં શહીદ પાટીદારોના પરિવારને નોકરીની માંગ તથા પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ મુખ્ય હતી.