Amit Shah: ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીજન્ય રોગચાળો ફેલાય છે. અગાઉ રેલ્વે પૂર્વના વિસ્તારમાં  જીવલેણ રોગચાળો ફેલાતાં ત્યાં પાણીની લાઇનો બદલવામાં આવી રહી છે ત્યારે કલોલના વધુ એક વિસ્તારમાં પાણીની લાઇનમાં ગટરનું ગંદુ અને દુષિત પાણી ભળી રહ્યું છે જેના પગલે ફરી અહીં કોલેરા જેવો જીવલેણ અને પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. કલોલના મટવાકુવા, ઝુમા મસ્જીદ, બાંગલાદેશ છાપરા, ગુલીસ્તા પાર્ક અને અંજુમનવાડી વિસ્તારમાં ઘરે ઘરે લોકોને ઝાડા-ઉલ્ટી તથા પેટમાં દુઃખાવાની ફરિયાદો ઉઠી છે.  આ વિસ્તારમાં અનેક લોકો કોલેરાની ઝપેટમાં આવી ગયા છે. જેને લઈ ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહે રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી છે.


ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી કલોલ ખાતે પાણીજન્ય રોગ કોલેરાના કેસો સામે આવ્યા છે. આ બાબતે અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત અમિત શાહે જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રને આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી.




બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો


ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં દર વર્ષે પાણીજન્ય રોગચાળો ફાટી નિકળે છે એટલુ જ નહીં, આ રોગચાળો જીવલેણ પણ બની ચૂક્યો છે તેમ છતા આ વિસ્તારમાં આપવામાં આવતા પાણી વિતરણમાં તંત્ર દ્વારા કોઇ તકેદારી રાખવામાં આવતી નથી જેના કારણે અહીં ફરીવાર પાણીજન્ય કોલેરાના રોગચાળો ફેલાયો છે. તંત્રની બેદરકારીને કારણે કલોલ શહેરના મટવાકુવા, ઝુમા મસ્જીદ, બાંગલાદેશ છાપરા, ગુલીસ્તાન પાર્ક તથા અંજુમન વાડી વિસ્તારમાં પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જવાને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાયો હોવાનું તારણ નિકળ્યું છે અહીં ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુઃખાવાની સમસ્યા સાથેના કેસ પ્રકાશમાં આવતા તબીબોએ કોલેરાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે કલોલના આ અસરગ્રસ્ત વિસ્તારના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસમાં આ અસરગ્રસ્ત વિસ્તારમાંથી કોલેરાના 50થી પણ વધુ દર્દીઓ મળ્યા હતા. જેમાં બાળકોની સંખ્યા વધુ છે. હાલ આ વિસ્તારમાં લાઇન દ્વારા આપવામાં આવતો પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને ટેન્ડર મારફતે સુપર ક્લોરીનેશન પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ દ્વારા કલોલના આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક તંત્ર સાથે બેઠક કરીને રોગચાળાને કાબુમાં લેવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા.




Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial