ગાંધીનગરઃ ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ મથકમાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ઈસુદાન ગઢવી સામે દારૂ પીધા અંગેની નોંધાયેલી ફરિયાદમાં સોમવારે ઈશુદાન ગઢવી પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે ઈસુદાન ગઢવીને જામીન આપીને મુક્ત કર્યા હતા.
પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવીના જામીન કોણ બને એ મુદ્દે માથાકૂટ થઈ હતી. આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાને ઈસુદાન ગઢવીના જામીન બનાવવા હાજર રાખ્યા હતા પણ પોલીસે વાંધો લઈને મનોજ સોરઠીયાને જામીન બનાવવા સામે વાંધો લીધો હતો. સોરઠીયા સુરતના હોવાથી તેમના બદલે સ્થાનિક વ્યક્તિને જામીન તરીકે રજૂ કરવા માટે પોલીસે ઈસુદાનને કહ્યું હતું.
પોલીસના વાંધાના કારણે આમ આદમી પાર્ટી (આપ)માં દોડધામ મચી ગઈ હતી. આપ દ્વારા પેથાપુરના કિશનભાઇને જામીન તરીકે લઈ અવાયા હતા પણ સોરઠીયાને જ જામીન બનાવવાનો આગ્રહ રાખીને કાયદો બતાવાતાં અંતે પોલીસે સોરઠીયાને જામીન તરીકે માન્ય રાખીને ઈસુદાનના જામીન મંજૂર કર્યા હતા. પોલીસે જામીનમાં શરત રાખી છે કે, કોર્ટમાં જ્યારે પણ તારીખ પડે ત્યારે હાજર રહેવું પડશે.
થોડા દિવસ પહેલાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે આપના નેતાઓ પેપર લીકકાંડ મુદ્દે વિરોધ કરવા પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપ અને આપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. ઈસુદાન સામે દારૂ પીને છેડતીનો આક્ષેપ થતાં ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઈસુદાન સોમવારે બપોરે 2 વગ્યના અરસામાં ઈન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયા હતા સવા બે કલાકની પ્રક્રિયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ગણતરીની મિનિટોમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા
જામીન પર મુક્ત થયા બાદ ગઢવીએ જણાવ્યું હતું કે, પોલીસે મને દારૂ પીવા અંગેનો સવાલ કર્યો હતો જેના જવાબમાં મેં નિવેદન આપ્યું છે કે, હું ક્યારેય દારૂ પીતો નથી. રિપોર્ટમાં આલ્કોહોલની માત્રા દર્શાવવામાં આવી છે તે માત્રા અંગે ક્યારેય કોઈની સામે કોઈ ફરિયાદ થઈ નથી એ જોતાં મારી સામેની ફરિયાદ કોર્ટમાં ટકી શકે તેમ નથી.... કોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. પેપર લીકકાંડ અંગે અમારી લડત ચાલુ જ રહેશે.