ગાંધીનગરઃ ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં એક દિવસના મુખ્યમંત્રી બનવાની માંગ કરનાર ધોલેરાના યુવકની ઓડિયો ક્લિપ ભારે વાયરલ થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વાત કરનાર યુવક કોણ છે, તેને લઈને પણ હાલ ભારે ચર્ચા જાગી છે. તેમજ સોશિયલ મીડિયા પર લોકો આ ક્લિપ ઝડપથી શેર પણ કરી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ધોલેરાના હેબતપુરાના લાલજીભાઈ મીઠાપરા નામની વ્યક્તિએ ફોન કર્યો હતો. તેમણે નીતિન પટેલને જણાવ્યું હતું કે, તેમના ગામની વસતિ 10થી 12 હજારની છે. તેઓ એક દિવસના મુખ્યમંત્રી બનવવા માંગતા હોવાનું જણાવી રહ્યા છે. યુવકની વાત સાંભળીને નીતિન પટેલ ખડખડાટ હસી પડ્યા હતા. જોકે, આ ઓડિયો ક્લિપની સત્યતા અંગે એબીપી અસ્મિતા કોઈ દાવો કરતો નથી.

લાલજીભાઈની ઓડિયો ક્લિપ



નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય બાલિકા દિવસે અનોખી પહેલ કરાઈ હતી. આ પ્રસંગે હરિદ્વારની વિદ્યાર્થિની સૃષ્ટિ ગોસ્વામીને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવાઈ હતી. તેણે તમામ વિભાગોને વધુ સારી રીતે કામ કરવાના આદેશ આપ્યા હતા. તે પોતાના છ કલાકના કાર્યકાળમાં સંપૂર્ણ આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી હતી. સાથે જ એક પરિપક્વ રાજનેતાની જેમ તેણે વિરોધ પક્ષના સવાલોના પણ જવાબ આપ્યા હતા. તેણે રાજ્યના તમામ જુના અને જર્જરિત પુલોને ફરીથી બનાવવા અને તેના અંગે વ્યાપક સરવે કરવાની સુચના આપી હતી.