ગાંધીનગરઃ ભાજપમાંથી રાજીનામું આપીને ખળભળાટ મચાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંતે પાણીમાં બેસી ગયા છે. મંગળવારે રાજીનામું આપ્યા પછી મક્કમતા બતાવનારા અને રાજીનામું પાછું નહીં ખેંચવાની જાહેરાત કરનારા મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા પછી રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. મનસુખ વસાવા રાજ્યના વન મંત્રી ગણપત વસાવાને પણ મળ્યા હતા.


મુખ્યમંત્રી રૂપાણી સાથેની બેઠક પછી મનસુખ વસાવા અને ગણપત વસાવાએ પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદમાં મનસુખ વસાવાએ પોતાની ખરાબ તબિયત રાજીનામાના કારણ માટે જવાબદાર હોવાનો રાગ આલાપ્યો હતો. મનસુખ વસાવાએ કહ્યું કે, મેં રાજીનામું આપ્યું તે માટે સરકાર કે પક્ષ તરફથી મને કોઈ તકલીફ હોવાનું કારણ જવાબજાર નથી. મારી શારીરિક તકલીફનાં કારણે મે રાજીનામું આપ્યું હતું કેમ કે સ્નેહીજનોનો આગ્રહ હતો કે તમે આરામ કરો. જો કે મને કેન્દ્રીય નેતૃત્વે કહ્યું છે કે તમે સાસંદ હશો તો વિના મૂલ્યે ફ્રીમાં તમારી સારવાર થશે એટલે મેં મારો નિર્ણાય પાછો ખેંચી લીધો છે.