ગાંધીનગરઃ ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ મોડી રાત સુધી તેમના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ થયો હતો. ગઈ કાલે સાંસદ વસાવાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમને મળવા પહોંચ્યા હતા. તેમજ તેમની સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ પણ જોડાયા હતા. ભરતસિંહને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વસાવાને મનાવવા દોડાવ્યા હોવાનું મનાય છે.
બેઠક બાદ ભરતસિંહે કહ્યું, મનસુખભાઇ સાથે જૂનો સંબંધ છે. ભાજપના અમે સાથે કામ કર્યું છે. એમની પ્રકૃતિને ઓળખું છું. નખશિખ પ્રામાણિક કામ કરે છે. કાર્યકર્તા માટે ઉદાહરણ રૂપ કામગીરી કરી છે. તેમની સાથે ચર્ચા થઈ છે. મારી તો શુભેચ્છા મુલાકાત હતી. પાર્ટી કે સરકાર માટે કોઈ ફરિયાદ નથી. નાના મોટા પ્રશ્નો હશે તેની ચર્ચા કરી છે, જે ઉકેલાશે. પાર્ટી અમારા બંને માટે પ્રાયોરિટી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. મનસુખ વસાવાના રાજીનામાથી રૂપાણી સરકાર હરકતમાં આવી ગઈ છે.
મનસુખ વસાવાએ રાજીનામાને લઈને જણાવ્યું હતું કે, પાર્ટી કહેશે તો પણ રાજીનામું પરત નહીં ખેંચું. નાદુરસ્ત તબિયતકના કારણે રાજીનામું આપ્યું છે. ઘણા સમયથી મારી તબિયત સારી રહેતી નથી. કમરમાં દુઃખાવાને કારણે નાના મગજ પર અસર થઈ છે. પાર્ટી કે સરકાર માટે જરા પણ નારાજગી નથી. જ્યારે મેં મારા મતવિસ્તારના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી છે, ત્યારે તેનો સરકાર ઉકેલ લાવી છે. અગાઉ પણ પાર્ટીમાં તેમણે રાજીનામું આપવા મુદ્દે વાત કરી હોવાનો દાવો કર્યો હતો.
મનસુખ વસાવાના રાજીનામા પછી વનમંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને અરજન્ટ મીટિંગ મળી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. સૂત્રોના મતે ઈકો સેન્સેટીવ ઝોન અંગે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. વસાવાને મનાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મનસુખભાઇ વસાવા અમારા સિનિયર સાંસદ છે. એમને રાજીનામુ નથી આપ્યું, એમને રાજીનામુ આપીશ એવું જણાવ્યું છે. એમની સાથે મુખ્યમંત્રી સાથે બેસીને ચર્ચા કરી છે. એમના મુદ્દાનું નિરાકરણ આવી જશે. એમના વિસ્તારની જમીન છે, જેને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે, એમનો ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમની ફરજ છે લોકો માટે લડવાની એ લડી રહ્યા છે. પાર્ટી એમની સાથે છે.
ભાજપમાંથી રાજીનામા આપનારા સાંસદ વસાવાને મનાવવા પાટીલે મોડી રાતે કોને વસાવાના ઘરે દોડાવ્યા? બંધ બારણે શું થઈ ચર્ચા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Dec 2020 09:53 AM (IST)
ગઈ કાલે સાંસદ વસાવાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમને મળવા પહોંચ્યા હતા. તેમજ તેમની સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ પણ જોડાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -