વિશ્વના 'આંજણા’ (ચૌધરી-પટેલ) સમાજના સર્વાંગી વિકાસના કેન્દ્રબિંદુ એવા ‘આંજણા ધામ’નો આગામી તારીખ 5 જાન્યુઆરી 2025 રવિવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે 9 કલાકે શિલાન્યાસ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાશે. આ પ્રસંગે શિકારપૂરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી 1008 મહંત શ્રી દયારામજી મહારાજ આશીર્વચન આપશે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને દાતા શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. આંજણા ધામના મુખ્ય દાતા અને પ્રમુખ મણીલાલ ચૌધરી અને મહામંત્રી અમિતભાઇ ચૌધરીએ જણાવાયું હતું કે, ગાંધીનગરના જમિયતપુરા ખાતે સંસ્કાર, શિક્ષણ અને સેવા સંકલ્પ સાથે 22000 થી વધુ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના 'આંજણા ધામ' માટે ચૌધરી સમાજના દાતાશ્રીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 200 કરોડથી વધુનું માતબર રકમનું દાન જાહેર કરવામાં આવ્યું છે. સમાજના દાતાશ્રીઓ દ્વારા આ ભગીરથ કાર્ય માટે અવિરત દાન આવી રહ્યું છે.
વિશ્વ આંજણા ધામના નિર્માણ માટે દાનની સરાવણી વહેવાવનારમાં મણીલાલ કરશનભાઈ ચૌધરી (દગાવાડિયા) , શંકરભાઈ ચૌધરી (શંકુઝ વોટરપાર્ક) ,શેઠ હરીભાઇ વેલજીભાઈ ચૌધરી (ચરાડા) , રમણભાઇ ચૌધરી (સોલૈયા, હાલ કેનેડા-યુ.એસ.એ.), કનુભાઇ ડાહ્યાભાઈ ચૌધરી (દગાવાડિયા) , બાબુભાઈ મણીલાલ ચૌધરી (દગાવાડિયા) રમેશભાઈ ભીમજીભાઈ ચૌધરી (સુઈ ગામ), મૂળજીભાઇ ચૌધરી (બાલવા, હાલ USA), નરસિંહભાઇ દેસાઇ (ભદ્રેસર, હાલ USA),આર.ડી. ચૌધરી (ઝાલોર,રાજસ્થાન) ઉપરાંત સમાજના 30 થી વધુ અન્ય દાતાઓ છે. જેઓના વિશિષ્ટ માર્ગદર્શન નીચે આ ભવ્ય આયોજન થઇ રહ્યું છે. સમાજ-રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા-ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના 'આંજણા ધામ'ના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ યુ.એસ.એ./કેનેડા સહિત વિવિધ દેશોમાંથી પણ આંજણા ચૌધરી સમાજના દાતાશ્રીઓ, આંજણા ધામના ટ્રસ્ટીશ્રીઓ, આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થશે.